November 14, 2025
ગુજરાત

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સ્પીપા ખાતે સરકારી નોકરી મેળવ્યા બાદ પૂર્વ સેવા તાલીમ માટે આવતા તાલીમાર્થીઓ માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનાર યોજાયો.

ઉપરોક્ત સેમિનારમાં હાજર તાલીમાર્થીઓને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા. જાતીય સતામણીના આરોપમાં કોની સામે ફરિયાદ થઈ શકે તથા તેની કાર્યવાહી, પ્રક્રિયા, વળતર અને કાયદાનું અમલીકરણ કેવી રીતે કરી શકાય તેના ઉપર હાજર પ્રવક્તાઓ દ્વારા તાલીમાર્થીઓને સમજ આપવામાં આવી.
મહિલાઓ કામ કરતી હોય તેવા કોઈ પણ સ્થળે, દાખલા તરીકે કચેરી, શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જગ્યાએ મહિલાઓ પર જાતિય સતામણી થાય જેમકે તેમને શારીરિક રીતે છેડછાડ કરવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે, જાતિય માંગણી અથવા વિનંતી કરવામાં આવે, જાતિય શબ્દોનો પ્રયોગ સાંકેતિક કે અસાંકેતિક રીતે વ્યક્ત કરવામાં આવે, અશ્લિલ સાહિત્ય, MMS કે SMS બતાવવામાં આવે, મહિલાઓને સ્વીકૃત ન હોય તેવું કોઈ પણ પ્રકારનું શારીરિક, શાબ્દિક કે સાંકેતિક વર્તન કરવું તેને આ કાયદા હેઠળ જાતિય સતામણી માનવામાં આવે છે.
જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલા જાતીય સતામણી કરનાર વિરુદ્ધ આંતરિક ફરિયાદ સમિતિમાં ફરિયાદ નોંધાવી શકે છે. આંતરિક ફરિયાદ સમિતિ તમામ કચેરીએ મહિલા અધિકારીના અધ્યક્ષ સ્થાને ફરજીયાત રચવાની હોય છે; જેમાં કચેરીના સામાજિક અથવા કાયદાકીય જાણકારી ધરાવતા ઓછામાં ઓછા બે કર્મચારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે  અને બિનસરકારી સંગઠનના એક સભ્ય કે જે મહિલાના હિતના રક્ષણ માટે સક્રિય હોય તેમની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિના 50% સભ્યો મહિલાઓ હોય છે જેથી મહિલાને ફરિયાદ કરવામાં મદદ કરવાની કચેરીના વડાની ફરજ બને છે. ભોગ બનેલી મહિલાએ બનાવના ત્રણ માસમાં અથવા એક થી વધુ વાર બન્યો હોય તેવા બનાવની સ્થિતિમાં છેલ્લા બનાવના ત્રણ માસમાં લેખિતમાં આંતરિક ફરિયાદ સમિતિને ફરિયાદ કરવાની હોય છે.
આ ઉપરાંત, સ્થાનિક ફરિયાદ સમિતિ સમક્ષ પણ મહિલા ફરિયાદ નોંધાવી શકે છે જેની રચના જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્તરે કરવામાં આવે છે અને તેના અધ્યક્ષ તરીકે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલા હોય છે. અસંગઠીત ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, જ્યાં 10 થી ઓછા કર્મચારીઓ હોય તેવી કચેરીની મહિલાઓ આ સમિતિ સમક્ષ ફરિયાદ કરી શકે છે તથા સ્થાનિક ફરિયાદ સમિતિ વિશે વધુ માહિતી માટે જિલ્લા કલેકટર કચેરીનો પણ સંપર્ક કરી શકાય છે.
આ સેમિનારમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, ભોગ બનેલી મહિલાઓ બનાવના ત્રણ માસમાં લેખિતમાં આંતરિક ફરિયાદ સમિતિને ફરિયાદ નોંધાવી શકે છે. શારીરિક અથવા માનસિક અશક્તિના કારણે ફરિયાદ કરવા અસમર્થ હોય તેવી પરિસ્થિતિમાં મહિલાના વારસદાર પણ આ સમિતિ સમક્ષ જઈ શકે છે. ફરિયાદ બાદ 90 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવે છે અને 10 દિવસમાં તપાસના તારણનો અહેવાલ બનાવીને પગલાની ભલામણો સાથે કચેરીના વડાને સુપરત કરવામાં આવે છે. ભલામણ મળ્યાના 60 દિવસની અંદર આરોપી ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. ફરિયાદી મહિલા ઈચ્છે તો સમાધાન થઈ શકે છે પરંતુ તેમાં નાણાકીય લેવડ દેવડ નો સમાવેશ થઈ શકતો નથી. ઘરઘાટી કે ઘરકામ કરતી મહિલાના કિસ્સામાં સ્થાનિક સમિતિને ફરિયાદ મળતા તે 7 દિવસમાં પોલીસમાં IPC કલમ 509 હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે.
આ કાયદામાં ફરિયાદ કરનાર મહિલાને શારીરિક માનસિક અને ભાવાત્મક આઘાત માટે આર્થિક વળતર આપવામાં આવે છે, શારીરિક અને માનસિક સારવાર માટે તબીબી ખર્ચ તથા સ્વવિનંતીના આધારે ફરિયાદી મહિલા અથવા આરોપીની બદલી કરવામાં આવે છે. પીડિત મહિલાને માનસિક રાહત માટે ચાલુ પગારે મળવાપાત્ર રજાઓ ઉપરાંત ત્રણ માસ સુધીની રજા મળે છે. જો આ કાયદાનો અમલ ન કરવામાં આવે તો સંબંધિત કચેરી ઉપર ₹50,000 સુધીનો દંડ પણ થઈ શકે છે, બીજી વખતે બમણો દંડ ત્યારબાદ લાઇસન્સ રદ અથવા રીન્યુ ન કરવાની શિક્ષા પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, તદ્દન બદ્દઇરાદાપૂર્વકની ખોટી ફરિયાદ માટે મહિલા ફરિયાદીને પણ દંડની જોગવાઈ આ કાયદા અંતર્ગત છે.
આ માર્ગદર્શક સેમિનારમાં ડૉ. ફોરમ પટેલ, પ્રોફેસર નિરમા યુનિવર્સિટી, ગુંજન અરોરા, પ્રોફેસર, નિરમા યુનિવર્સિટી, દહેજ પ્રતિબંધક અધિકારી નીતિનકુમાર ગજ્જર અને વૃતિકાબેન વેગડા તથા ફિલ્ડ ઓફિસર જીતેશભાઈ સોલંકી તથા સ્પીપામાં પૂર્વ સેવા તાલીમ મેળવવા આવેલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત “હાર્દિક ઇન મોદી રાજ” નું કેરીકેચર ત્રિસ્તુતિ સંઘના અખિલ ભારતીય પ્રમુખ શ્રી વાઘજીભાઈ વોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો