રાજ્યમાં કમોસમી વરસાદથી હાલ લોકોને આંશિક રાહત મળી છે. આજે રાજ્યમાં માવઠું પડવાની શક્યતા નહિંવત છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થવાની શક્યા છે. પરંતુ, બીજી તરફ આગામી 3થી4 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન પાસે બનેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. સાથે જ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તાપમાન 34થી 37 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 7 એપ્રિલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 8મી એપ્રિલે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. ઉપરાંત, 9 એપ્રિલના રોજ તાપી, છોટા ઉદયપુર, ડાંગ અને કચ્છ વિસ્તારમાં માવઠાની આગાહી છે.
અમદાવાદ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા સર્ક્યુલેશનના કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. માહિતી મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું છે, જે આગામી દિવસોમાં 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 36, રાજકોટમાં 37, સુરતમાં 36 અને વડોદરામાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.