જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ કેસમાં અગાઉ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં ગુજરાતનું જુનિયર ક્લાર્કનું પેપર તેલંગાણામાંથી લીક કરી તેને બિહાર, ઓડિશા સહિતના રાજ્યોમાં ફેરવીને ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
લીક થયેલું પેપર ખરીદવાનો આરોપ
આ સાથે ઓડિશાના બે શખ્સો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી હતી. ત્યારે હવે પકડાયેલા વધુ 30 આરોપીઓ પાસેથી પણ મહત્ત્વની વિગતો મળવાની શક્યતા છે. ગુજરાત એટીએસની ટીમે ઝીણવટભરી તપાસ કરી જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ 30 આરોપીઓની ધરપકડ કરી છે. આ લાકો પર લીક થયેલું પેપર ખરીદવાનો આરોપ છે. માહિતી છે કે આરોપીઓએ રૂ. 12થી 13 લાખમાં લીક થયેલું પેપર ખરીદ્યું હતું. ઝડપાયેલા આરોપીઓ સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લીના રહેવાસી છે.
બિહાર, ઓડિશા સહિતના અન્ય રાજ્યોમાં પણ તપાસ કરાઈ
મીડિયા રિપોર્ટ મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં મહિલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે, જેમના દ્વારા 12થી 13 લાખ સુધીના રૂપિયા આપને લીક થયેલું પેપર ખરીદવામાં આવ્યું હતું. અગાઉ આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા પ્રદીપ નાયક, જીત નાયક, ભાસ્કર ચૌધરી, ચેતન બારોટ સહિતના 18 માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓની પૂછપરછમાં પેપર લીક કૌભાંડ ગુજરાત બહાર સુધી ફેલાયેલું હોવાનું બહાર આવ્યું હતું. આથી ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે, 29 જાન્યુઆરી 2023ના દિવસે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ પેપરના થોડા સમયે પહેલા જ એટીએસ દ્વારા પેપર ફૂટ્યાનો ભાંડો ફોડીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.