મધ્યપ્રદેશના જબલપુરથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક 70 વર્ષીય વ્યક્તિએ બે સગીર છોકરીઓ સાથે જઘન્ય અપરાધ આચર્યું છે. આ શખ્સે બંને બાળકીઓને ચોકલેટની લાલચ આપીને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી.
પીડિત બંને સગી બહેનો છે
પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે બપોરે જબલપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 45 કિમી દૂર કટંગી વિસ્તારમાં બની. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા બંને સગી બહેનો છે અને તેમની ઉંમર 6 વર્ષ અને 8 વર્ષ છે. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) શિવેન્દ્ર સિંહે જણાવ્યું કે આરોપી ગિરધારી લાલ સાહુએ મંગળવારે બપોરે બંને બહેનોને તેના ઘરની નજીક રમતી જોઈ.
આરોપીને તેના ઘરની અંદર લઈ ગયો
અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) શિવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આરોપી છોકરીઓને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરની અંદર લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. તેમણે કહ્યું કે જ્યારે આ છોકરીઓ ઘરે પરત ન ફરી ત્યારે તેમના પરિજનો અને તેમના પરિચિતોએ તેમની શોધ કરી અને આ વૃદ્ધ પાસેથી બાળકીઓ મળી આવી.
હાલત જોઈ પરિવારે ફરિયાદ કરી
સિંહે કહ્યું કે તેમની હાલત જોઈને આ બાળકીઓના પરિજનોએ પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું કે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી લીધી છે અને તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) અંતર્ગત ગુનો નોંધી લીધો છે.