ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ રાજ્યમાં વધુ એક સફાઇ કામદારનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતના ભીમરાડ રોડથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના ભીમરાડ રોડ પર ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેને લઈ હવે મૃતકના પરિવારજનોએ વળતરની માંગ સાથે મૃતદેહના અસ્વીકારની ચીમકી આપી છે. સાફ ગુજરાતમાં અનેક વાર ગટર કરવા ઉતરતા સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવે છે. આ તરફ હવે સુરતના ભીમરાડ રોડ પર આવેલ એક્સલ બિલ્ડિંગમાં પણ આવી જ ઘટના સામે આવી છે. વિગતો મુજબ સફાઈ કર્મી રઘુભાઈ સોલંકી સહિતના ત્રણ સફાઇ કામદાર આ મોલમાં ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન સફાઈ કર્મી રઘુભાઈ સોલંકીનું ગુંગળામણથી મોત થયું છે. ભીમરાડ રોડ પર આવેલ એક્સલસ બિલ્ડિંગ મોલમાં સફાઇ કામદારના મોત બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ ભીમરાડ રોડ પર આવેલી એક્સલસ બિલ્ડિંગના માલિક મૃતક શ્રમિકના પરિવારજનોને વળતર આપે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો મૃતદેહના અસ્વીકારની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.