કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે ત્યારે સુરક્ષા, પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક઼ દ્વારા જાહેરનામું બહાર પાડતા ઉલ્લેખ કર્યો હતો કે, આ દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ ન પહોંચે તે હેતુથી અમદાવાદદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.