આસ્ટોડિયા અને નવરંગપુરામાં આવેલી એક ટેલિકોમ કંપનીની ઓફિસમાં આવતા ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમની જગ્યાએ અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી સિમ કાર્ડ બનાવી વેચાણ કરતા ત્રણની એસઓજીની ટીમે ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરતા બોગસ રીતે 222 સિમ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીને ફરિયાદો મળતા તેમની ટીમ જુદા જુદા શહેરોમાં તપાસ કરી રહી છે.
બાતમીના આધારે એસઓજીની ટીમ બોગસ સિમ કાર્ડ વેચતા લોકોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી શહેરમાં વિવિધ સ્થળે દરોડા પાડવાની કામગીરી કરી રહી છે. દરમિયાન એસઓજીની ટીમે ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે આસ્ટોડિયામાં રહેતા અને શાહઆલમમાં ટેલિકોમ કંપનીના સ્ટોરનું સંચાલક કરતા અમન બીયાવરવાળાની ધરપકડ કરી હતી. અમન ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને તેમના ફોટોની જગ્યાએ પોતાનો ફોટો અપલોડ કરી પોતા જે પીઓએસ એજન્ટ હોવાથી કંપનીમાંથી વેરિફિકેશન કરાવી લેતો હતો. ત્યારબાદ એક્ટિવ સિમ કાર્ડ બારોબાર વેચી મારતો હતો. અમન પાસેથી 136 બોગસ સિમ કાર્ડ મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોબાઇલ શોપના પીઓએસના નામનો ઉપયોગ
બીજી તરફ શહેરના સીજી રોડ પર આવેલી એક દુકાનમાં પણ બોગસ સિમ કાર્ડનો વેપાર થતો હોવાની માહિતીની આધારે પોલીસે તપાસ કરી જયમીન પરમારની ધરપકડ કરી હતી. જયમીન તેમના ત્યાં નોકરી કરતા કર્મચારીઓની જાણ બહાર તેમના નામના ફોટો આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને સિમ કાર્ડ એજન્ટ મારફતે વિવધ મોબાઇલ શોપના પીઓએસના નામનો ઉપયોગ કરતો હતો. ઓનલાઈન કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ગ્રાહકોના ફોટોની જગ્યાએ જમયીન તેમના ત્યાં નોકરી કરતા કર્મચારીનો ફોટો અપલોડ કરી કંપનીમાં વેરિફિકેશન કરાવી સિમ કાર્ડ મેળવી લેતો હતો. પોલીસે જયમીન અને ફૈઝન પાસેથી 86 બોગસ સિમ કાર્ડ જપ્ત કરી તેમની ધરપકડ કરી હતી.