ભારત સરકારના ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનથી ભારતીય નાગરિકોને પરત સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ નાગરિકોમાં ઘણા ગુજરાતી પણ છે કે જેઓ ગઈકાલે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. માહિતી મુજબ, 56 જેટલા ગુજરાતીઓ આજે મુંબઈથી અમદાવાદ પહોંચ્યા છે.
જણાવી દઈએ કે, આફ્રિકી દેશ સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ત્યાં ભયંકર હિંસા ફાટી નીકળી છે. સુદાનમાં રહેતા ભારતીય નાગરિકો સહિત અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે. આથી ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકોને પરત સ્વદેશ લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કરાયું છે. જે હેઠળ ફસાયેલા ભારતીય નાગરિકો પૈકી 500 નાગરિકોને બુધવારે એક પ્લેનમાં ગઈકાલે જેદ્દાહથી મુંબઇ લવાયા હતા. આ નાગરિકોમાંથી 56 જેટલા ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એરપોર્ટ પર પુષ્પથી તમામ નાગરિકોનું સ્વાગત કર્યું હતું. જ્યારે ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો અને ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
પરિજનોને મળી ગુજરાતીઓ ભાવુક થયા
પરિજનોને મળી ગુજરાતીઓ ભાવુક થયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુંબઈથી બે વોલ્વો બસના માધ્યમથી ગુજરાતી નાગરિકોને અમદાવાદ લવાયા છે. આ પહેલા મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓને પરત લાવવા તમામ વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે સૌ નાગરિકોને શાંતિ પૂર્વક અમદાવાદ લાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, આ નાગરિકોમાં 39 રાજકોટ, 9 ગાંધીનગર, 5 આણંદ અને 5 વડોદરાના છે.