રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં આકરા ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ અને કરાં પડવાની ઘટના બની છે. માર્ચ મહિનાથી હવામાન વિભાગ દ્વારા વારંવાર માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ એકવાર રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
મળતી માહિતી મુજબ, હજુ 5 દિવસ રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, રાજકોટ સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જ્યારે આ વખતે માવઠું વધુ તોફાની હોવાની શક્યતા છે. જણાવી દઈએ કે, શુક્રવારે મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે માવઠું પડ્યું હોવાની માહિતી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠું પડવાની શક્યતા
કચ્છ જિલ્લાના માધાપર, કોટડા, નાડાપા અને ધાણેટી ગામે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી તેની અસર રહેશે. આ પછી ત્રીજા દિવસથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. માવઠાની આગાહીથી રાજ્યના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉનાળાના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જગતના તાતને ફરી એકવાર આર્થિક નુકસાન વેઠવું પડશે તેવી ચિંતા સતાવી રહી છે.