અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એક કર્મચારીને રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. ફરિયાદના ઘરમાં પાણીની નવી પાઈપલાઈન નાખવા મામલે રૂ. 20 હજારની લાંચ માગતા એસીબીએ છટકુ ગોઠવી લાંચ લેનારા એએમસી કર્મચારીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં ફરિયાદીના ઘરની બાજુમાં આવેલા બત્રીસી હોલ વાળાએ પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી, જે અરજી મંજૂર થતા પાણીની નવી પાઈપલાઈનનું ખોદકામ શરૂ કરાયું હતું. દરમિયાન ફરિયાદીએ પોતાના ઘરમાં પાણીની નવી પાઇપલાઇન નાખવા માટે અરજી કરી હતી. ત્યારે ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માટે એએમસી કર્મચારી હેમરાજ દાફડાએ રૂ. 25 હજારની લાંચ માગી હતી. જો કે, ઘણી રકઝક બાદ રૂ. 20 હાજરની રકમ નક્કી કરવામાં આવી હતી.
એસીબીએ છટકુ ગોઠવી ધરપકડ કરી
પરંતુ, ફરિયાદ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી રૂ.20 હજારની લાંચ લેનારા એએમસી કર્મચારીની ધરપકડ કરી છે. આ મામલે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.