અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. કેટલાક વિસ્તારમાં જાહેર માર્ગો પર ગેરકાયદેસરના દબાણ અને આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આથી હવે ટ્રાફિક પોલીસ બાદ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સ્પેશિય ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ જાહેર માર્ગો પર અડચણ રૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસરના દબાણ અને જાહેર માર્ગો પર થતા દબાણોને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જાહેર માર્ગો પર ગંદકી કરનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને ઉપદ્રવ કરતા એકમ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાર હવે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરની ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જાહેર માર્ગો પર આડેધડ પાર્ક વાહનો લોક કરાશે
આ ઝુંબેશ હેઠળ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર માર્ગ પર ગેરકાયદે દબાણ કરનારા અને અડાધેડ પાર્કિંગ કરનારા સામે કડક દંડાત્મક કાર્યવાહી કરાશે. સ્પેશિયલ ડ્રાઇવ યોજી મહાનગર પાલિકાની ટીમ જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનોને લોક કરશે અને દંડાત્મક કાર્યવાહી કરશે. આથી હવે વાહન માલિકોએ જાહેર માર્ગો પર યોગ્ય અને નિયમ મુજબ પાર્કિંગ કરવાની રહેશે.