શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.