એમ તો કોઈપણ દેશમાં બેરોજગારી ઘટે તેને શુભ સંકેત માનવામાં આવે છે. અમેરિકામાં પણ આવું જ થયું છે. અહીં પણ રોજગારીનો દર વધ્યો છે. પરંતુ વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા અમેરિકામાં રોજગાર ક્ષેત્રની મજબૂત બન્યું છે, તેને એક અશુભ સંકેત માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફુગાવાને ઘટાડવાની આશામાં લગભગ એક વર્ષથી વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ગયા અઠવાડિયે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં ફરી એકવાર .25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ મોંઘવારી ઓછી થવાનું નામ નથી લઈ રહી. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે અમેરિકામાં જોબ સેક્ટરની મજબૂતાઈ ફરી એકવાર ફુગાવાને વેગ આપી શકે છે. આવી સ્થિતિમાં છેલ્લા એક વર્ષમાં ફેડના તમામ પ્રયાસો પર પણ પાણી ફરી શકે છે.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની વચ્ચે યુએસમાં નોકરીઓ અંગેનો લેટેસ્ટ ડેટા સામે આવ્યો છે. એપ્રિલ મહિનામાં યુએસ એમ્પ્લોયરોએ કુલ 2.53 લાખ નોકરીઓ પ્રદાન કરી છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરેલા રોજગાર ડેટામાં જણાવ્યું હતું કે આ મહિને બેરોજગારીનો દર ઘટીને 3.4 ટકા થયો છે, જે છેલ્લા 54 વર્ષમાં સૌથી નીચા સ્તરની બરાબર છે.
શ્રમ વિભાગે જણાવ્યું હતું કે એપ્રિલમાં ભરતીની પ્રવૃત્તિ મજબૂત રહી હતી, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તે ધીમી પડી હતી. જુલાઈ પછી એપ્રિલમાં કલાકદીઠ વેતનમાં સૌથી ઝડપી વધારો થયો છે.
જોકે, આ આંકડો ફુગાવા પર નજર રાખતા ફેડરલ રિઝર્વના અધિકારીઓની ચિંતા વધારી શકે છે. વાસ્તવમાં પગાર વધારા સાથે મોંઘવારી વધવાની શક્યતા પણ વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો ચાલુ રાખવા છતાં જોબ માર્કેટ મજબૂત છે. છટણીનો દર હજુ પણ ઓછો છે જ્યારે નવી ભરતીઓની સંખ્યા તુલનાત્મક રીતે વધારે છે.