શહેરમાં રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ ઘટવાનું નામ લેતો નથી. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે સાંજે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાર દિવસ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાં જ લાખના બંગલા વાળા વિસ્તારમાં બેકાબૂ બનેલા એક આખલાએ એક યુવતીને હડફેટે લીધી હતી અને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે ઢોર પકડ પાર્ટી દ્વારા ત્રણ દિવસથી આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજના સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગરની શેરીઓમાંથી આખલા પકડવાનું શરૂ કરવામાં આવતા ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે જબ્બરી બબાલ સર્જાય હતી. જો કે, આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. માલધારીઓએ ઢોર પકડવા દીધા ન હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ઢોર પકડવાની કામગીરી વેગવાન બનતાની સાથે જ માથાકૂટ પણ રોજીંદી બની જવા પામી છે. ચોમાસા પહેલા શહેરમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. ભારતીનગરમાં ઢોર ડબ્બાનાં કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. રાત્રે થયેલી આ મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં શેરીમાં બાંધેલી ગાયને પકડવા ગયેલા ઢોર ડબ્બાના કર્મચારીએ ચાલુ બાઈક પર જતા પશુપાલક યુવાન પર દોરડું ફેંકતા તે નીચે રોડ પર પટકાય છે. તેમજ બીજા એક સીસીટીવીમાં પોલીસમેન પશુપાલક સાથે હાથાપાઇ કરતો હોવાનું દેખાય છે. આવા આક્ષેપ પશુપાલકોએ કર્યા છે. પશુપાલકોનો વધુમાં આક્ષેપ છે કે, ઢોર ડબ્બાના કર્મચારીઓ ખોટી રીતે હેરાન-પરેશાન કરી રહ્યા છે. મોડી રાત્રે જ ઢોર પકડ પાર્ટીની ટીમો ગાંધીગ્રામ નજીકનાં ભારતીનગર વિસ્તારમાં પહોંચી હતી અને શેરીમાં બાંધેલી ગાયને પકડવાનો પ્રયાસ કરતા પશુપાલકો દ્વારા વિરોધ કરાયો હતો. પશુપાલકોનાં આ વિરોધને કારણે ઢોર પકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. સ્ટાફની ભૂલ હશે તો પગલા લેવાશે આ મામલે ઢોર પકડ પાર્ટીનાં ઇન્ચાર્જ ઓફિસર અલ્તાફ ડેલાએ જણાવ્યું હતું કે, હજુ સુધી તેમની પાસે આ બનાવ અંગે વિગતો આવી નથી. વિગતો આવ્યા બાદ તેઓ મીડિયા સમક્ષ જાહેર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે. જો સ્ટાફની ભૂલ હશે તો તેમની સામે પગલાં લેવાશે અને માલધારીની ભૂલ જણાશે તો પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાની અમારી તૈયારી છે.