ગાંધીનગરના જીઆઇડીસીમાં ખેતીવાડીને લગતા સાધનોનો વેપાર કરનારા વેપારી પાસેથી ઘાસ કાપવાના બે મશીનની ખરીદ કરી અવેજીમાં આપેલા કુલ રૂ.3.38 લાખના બે ચેક બાઉન્સ થતા છેતરપિંડી આચરનાર ત્રણ શખ્સો સામે સેકટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પાસે આવેલા રાદેસણના શ્રીરંગ પર્લમાં રહેતા 33 વર્ષીય અમોલ માધવ પાટીલ સેક્ટર-28 જીઆઇડીસી ખાતે સરલ એગ્રો પ્રા.લિ. નામની કંપની ધરાવી ખેતીવાડીને લગતા સાધનોનું સરકારી ધારા ધોરણ મુજબ વેચાણ કરે છે. ગત 17 માર્ચના રોજ અમોલ પાટીલ જ્યારે કંપનીની ઓફિસ ખાતે હાજર હતા ત્યારે સરજુ પ્રહલાદજી ઠાકોર અને તાજીમ અમીરભાઇ સિંધી ઘાસ કાપવાનું મશીન ખરીદવા માટે આવ્યા હતા.
મશીન ખરીદી ચેક અને પુરાવા માટે આધાર કાર્ડ આપ્યું હતું
ભાવ-તાલ નક્કી કર્યા બાદ રૂ.1.68 લાખની કિંમતનું એક ઘાસ કાપવાનું મશીન ખરીદી બંનેએ અમોલ પાટીલને ચેક આપ્યો હતો અને પુરાવા માટે તાજીમ સિંધીએ સરજુનું આધાર કાર્ડ આપ્યું હતું. બીજા દિવસે સરજુએ ફોન કરી અમોલભાઈને સુરેન્દ્રનગરના પોતાના મિત્રને પણ આવું જ એક મશીન જોઈતું હોવાની વાત કરી હતી. આથી સાંજે એક ઇસમને મોકલી વધુ એક મશીનની ખરીદી કરી હતી અને રૂ. 1.70 લાખનો ચેક અને આધારકાર્ડ આપ્યું હતું. જો કે, બંને ચેક બેંકમાં ભરતા રિટર્ન થયા હતા. જે અંગે વારંવાર ઉઘરાણી કરવાં છતાં ત્રણેય ઈસમોએ પૈસા પરત ન કરતા આખરે અમોલ પાટીલે છેતરપિંડીની ફરિયાદ કરતા સેકટર-21 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.