રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ દરમિયાન બિંદુ સરોવરની માળખાગત સુવિધામાં વધારો કરવા ૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. માતૃશ્રાદ્ધ માટે સમગ્ર ભારત દેશમાંથી અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો સિદ્ધપુર આવે છે.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવરના પ્રાંગણમાં બિરાજમાન ભગવાન શ્રી કન્દ્રભ ઋષિ, દેવહુની માતાજી, કપિલ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી બિંદુ સરોવરના વિકાસ માટેની મિટિંગ યોજી હતી. જે મિટિંગમાં જીલ્લા તેમજ સિદ્ધપુર તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રાધામ વિકાસની મિટીંગમાં દેશના એકમાત્ર માતૃશ્રાદ્ધ એવા બિંદુ સરોવરના વિકાસ માટે આગામી સમયમાં શું કરી શકાય તે માટેની મેરેથોન ચર્ચા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હાજર અધિકારી અને પદાધિકારીઓ સાથે કરી હતી.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાનમાં બિંદુ સરોવરના વિકાસ માટે મળેલી મિટિંગમાં આવેલ અધિકારી અને પદાધિકારીઓના સૂચનો સાંભળીને તેમના પર ચર્ચા કરી હતો તેમજ બિંદુ સરોવરને વૈશ્વિક કક્ષાનો વિકાસ કરવા યોગ્ય પગલા લેવાની ખાત્રી આપી હતી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવર સ્થિત શ્રી સ્થલ મ્યુઝિયમની મુલાકાત દરમ્યાન ત્યાં રહેલી મૂર્તિ જોઇ આ અમૂલ્ય વારસાઓને નિહાળવા સિદ્ધપુર આવતા દરેક નાગરિકે મ્યુઝિયમની મુલાકાત લેવા અપીલ કરી હતી.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવરના વિકાસ માટે મળેલી બેઠક અંગે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર એકમાત્ર સ્થળ છે. માતૃશ્રાદ્ધ માટે સમગ્ર ભારત દેશમાંથી અને વિશ્વના ખૂણે ખૂણે થી લોકો સિદ્ધપુર આવે છે. જેથી સિદ્ધપુરના બિંદુ સરોવર થી લઇ શહેરના વિકાસ માટે ગુજરાત સરકારે ભુતકાળમાં વિકાસના અનેક કામ કર્યા છે. જ્યારે આ સ્થળ વધુ વિકસિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી હર્ષભાઇ સંઘવીને રજુઆત કરવામાં આવી હતી. મને કહેતા આંનદ થાય છે કે આ ધાર્મિક સ્થળના વિકાસ માટે સરકારે ૩૩ કરોડની ગ્રાન્ટ ૩ વર્ષ માટે ફાળવવામાં આવી છે. આ ત્રણ વર્ષ દરમિયાન બિંદુ સરોવરના વિકાસ તેમજ માળખાગત સુવિધાઓ ઉભી કરવા વિકાસના કામ થશે. આ માટે અત્યારે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે નાણાં વિકાસના કામ માટે ઉપયોગમાં લેવાશે.
આજે સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે મળેલી યાત્રાધામ વિકાસની મિટિંગમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર.રાવલ, કલેકટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.