ગાંધીનગરના તપોવન સર્કલ પાસે રોડ પર ઊભેલી એક ટ્રક પાછળ એક કારચાલક ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. આ મામલે અડાલજ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુરમાં રહેતા દિપક કુમાર શરાફના કાકાનો દીકરો વિશાલ શરાફ શાહીબાગમાં રહેતો હતો અને એસજી હાઇવે થલતેજ ખાતે આવેલા લેન્ડ માર્ક હોન્ડાના શોરૂમમાં નોકરી કરતો હતો. દરમિયાન વિશાલ તેની કાર લઈને એપોલો સર્કલ તરફ જઈ રહ્યો હતો ત્યારે તપોવન સર્કલ પાસે રોડ પર એક ટ્રક ઊભી હતી, જેની પાછળ વિશાલની કાર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિશાલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃતક યુવકના પરિવારમાં શોક
હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ વિશાલનું મોત નીપજ્યું હતું. આ મામલે વિશાલના ભાઈ દિપકભાઈએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાન ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.