અભિનેતા ગુફી પેન્ટલનું આજે સોમવારે 79 વર્ષની વયે નિધન થયું છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અવસાન થયું છે. બીઆર ચોપરાના મહાભારતના શકુની મામાનું પાત્ર ગુફી પેન્ટલે બખૂબી નિભાવ્યું હતું લોકો આ તેમના દમદાર અભિનયને ક્યારે નહીં ભૂલે. પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું આજે નિધન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
બીઆર ચોપરાની મહાભારતમાં શકુની મામાની ભૂમિકા સાથે તેઓ ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. અભિનેતાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગહન દુઃખ સાથે શ્રી ગુફી પેન્ટલ (શકુની મામા)ના દુઃખદ અવસાનની જાહેરાત કરીએ છીએ. તેમનું આજે સવારે 9 વાગ્યે નિધન થયું હતું. ગુફી પેન્ટલ લાંબા સમયથી બીમાર હતા અને તેમની તબિયત બગડતાં 31 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક અભિનેતા હોવા ઉપરાંત, ગુફીએ કેટલાક ટીવી શો અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ નામની મૂવીનું દિગ્દર્શન પણ કર્યું હતું. બીઆર ફિલ્મ્સ સાથે, તેમણે એસોસિયેટ ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું.
ગુફીની કેટલીક અભિનય ક્રેડિટ્સમાં દિલ્લગી (1978), દેસ પરદેસ (1978), દાવો (1997), અને સમ્રાટ એન્ડ કંપની (2014) નો સમાવેશ થાય છે. તેમણે 1994ની ફિલ્મ સુહાગમાં અક્ષય કુમારના મામાની ભૂમિકા ભજવી હતી. મહાભારત ઉપરાંત, તેમણે ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ, જેવા ટીવી શોમાં પણ અભિનય કર્યો હતો.