ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે. શનિવારે સાંજે અમદાવાદના રાણીપ, સરખેજ, વેજલપુર સહિતના વિવિધ ભાગોમાં વરસાદ થયો હતો. જ્યારે રવિવાર સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ માટે હવામાન વિભાગે આજે વરસાદ થવાની આગાહી કરી છે. ઉપરાંત, રાજ્યના ઉત્તર-દક્ષિણ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના આ વિસ્તારોમાં આજે વરસાદ થયો
અમદાવાદની વાત કરીએ તો શનિવાર સાંજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે રવિવારે પણ કેટલાક વિસ્તારમાં સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે જબરજસ્ત વરસાદ થઈ રહ્યો છે. ઘાટલોડિયા, વેજલપુર, નરોડા, નિકોલ, મકરબા, સોલા, ગોતા, સાઉથ બોપલ, ઠક્કરબાપાનગર, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. અમદાવાદમાં રવિવારની રજાના દિવસે વરસાદે સવારમાં એન્ટ્રી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
આ જિલ્લાઓમાં આજે પડશે વરસાદ
જો કે, રવિવાર બપોરના સમયે અમદાવાદમાં લોકો બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. સવારે કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યા બાદ બપોરના સમયે બફારાના કારણે લોકો અકડાયા છે. માહિતી મુજબ, શહેરમાં ભેજનું પ્રમાણ 80% આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, તાપી, ભાવનગર અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.