વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદના ધોલેરાના કાદીપુર-ખુણ ગામે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
- ચેર વાવેતર ક્ષારયુક્ત પવનોને રોકે છે અને દરિયાને આગળ વધતો અટકાવવાની કામગીરી કરે છે.
- ધોલેરા તાલુકામાં ૧૨૦૦૦ હેક્ટરમાંથી અત્યાર સુધીમાં ૭૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.
- આવનારા સમયમાં મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરી દેવામાં આવશે.
અમદાવાદના ધોલેરા તાલુકાના કાદીપુર-ખુણ ગામે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રારંભ કરાવેલા ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના ધોલેરા તાલુકાના કાદીપુર-ખુણ ગામમાં રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ચેરનું વાવેતર પણ કર્યું હતું.
ધોલેરા તાલુકાના કાદીપુર-ખુણ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશિષ્ટ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને માત્ર છોડ વાવીને છોડી દેવો નહીં પણ રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકા અને
ગામમાં એવી રીતે ઉજવણી કરવી જેનાથી વૃક્ષો-પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ, લોકો વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પ્રેરિત થાય તેમજ વૃક્ષોનું જતન કરતા થાય એ મુખ્ય ઉદ્દેશ હતો જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલો ‘મિષ્ટી’ પ્રોજેક્ટ એક ખરેખર પ્રશંસનીય પહેલ છે. આ કાર્યક્રમને કારણે આવનારા સમયમાં લાખો લોકોને રોજગારી પણ મળવાની છે.
આ મિષ્ટી પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રુવ રોપા અંગે જાગૃતિ લાવીને તેને આખા દેશના મેન્ગ્રુવ પોટેન્શિયલ વિસ્તારમાં રોપણી કરાવીને સમૃદ્ધ તટીય વિસ્તારોને રક્ષણ પૂરું પાડવાનું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ :મિષ્ટી’ પ્રોજેક્ટના ફાયદા વિશે વાત કહ્યું કે, ચેર વાવેતર ક્ષારયુક્ત પવનોને રોકે છે અને દરિયાને આગળ વધતો અટકાવવાની કામગીરી કરે છે. સાથો સાથ વાવાઝોડા અને સુનામીની સામે રક્ષણ પણ આપે છે. જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ જિલ્લાના વન વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું કે, વન વિભાગના માર્ગદર્શન અંતર્ગત ધોલેરા તાલુકામાં ચેરનું વાવેતર ખૂબ સારા એવા પ્રમાણમાં થયું છે. ધોલેરા તાલુકામાં ૧૨૦૦૦ હેક્ટરમાંથી અત્યાર સુધીમાં ૭૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં મિષ્ટીપ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેરના છોડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી પણ કરે છે, જેથી પર્યાવરણની સમતુલા જળવાઇ રહે છે. અમદાવાદના ધોલેરા તાલુકાના દરિયા કિનારે એવિશિનિયા મરિના નામની ચેર પ્રજાતિ જોવા મળે છે, જેનું ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે. આ અવસરે જગદીશભાઈ વિશ્વકર્માએ ધોલેરા તાલુકાના ગ્રામજનોને આવનારા એક વર્ષમાં પ્લાસ્ટિકમુક્ત બનાવવાની અપીલ પણ કરી હતી સાથો સાથ પ્લાસ્ટિક ન વાપરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.