સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ એરપોર્ટ ખાતે હજયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા છે.
મુસ્લિમ સમુદાય માટે સૌથી મહત્ત્વની ગણાતી હજ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ એરપોર્ટથી હજ યાત્રા માટે જઈ રહેલા હજ યાત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રીઓને મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે ઓલ ઈન્ડિયા હજ સમિતિના ચેરમેનઅબ્દુલ્લાહ કુટ્ટી, ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન ઇકબાલ સૈયદ તેમજ ગુજરાત રાજ્ય હજ સમિતિ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય હજ સમિતિના સેક્રેટરી શ્રી આઈ.એમ.ધાંચીના જણાવ્યા અનુસાર ૪ જૂનથી પ્રારંભ થયેલી આ હજ યાત્રામાં અત્યાર સુધી ૧૦૦૦થી વધુ હજયાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે. આ હજ યાત્રા માટે અંદાજિત ૧૦,૦૦૦થી વધુ હજ યાત્રીઓ અમદાવાદ એરપોર્ટથી આવનારા સમયમાં રવાના થવાના છે.
રાજ્ય સરકાર દ્વારા હજ યાત્રીઓને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે એમ તેમણે વધુમાં કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ હજ યાત્રાને લઈને એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ એન.જી.ઓ સાથે એરપોર્ટ ઓથોરિટી પણ વ્યવસ્થામાં જોડાઈ છે.