આપણી પાસે ભારતમાં ઘણા પ્રકારના વીમા છે અને પોલિસી ધારકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. પોલિસી ધારકો રજિસ્ટર્ડ પોલિસી માટે દાવા રજૂઆત કરતી વખતે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા વીમા લોકપાલની કચેરી (ઑફિસ ઑફ ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન)ના પ્રતિનિધિઓ દ્રારા “વીમા ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સી. વિકાસ રાવ, માનનીય વીમા લોકપાલ અને શ્રી હસમુખ એસ. ગોહિલ, સચિવ, વીમા લોકપાલની કચેરી, અમદાવાદએ જણાવ્યું હતું કે વીમા લોકપાલની કચેરીઓ કાઉન્સિલ ફોર ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન (CIO) ના વહીવટી નિયંત્રણ હેઠળ છે, જેની રચના વીમા લોકપાલ નિયમો, 2017 હેઠળ કરવામાં આવી છે. વીમા લોકપાલની કચેરી એ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ છે જેની સ્થાપના વીમા કંપનીઓ અને તેના મધ્યસ્થીઓ અથવા વીમા બ્રોકર્સ સામે પીડિત પોલિસીધારકોની ફરિયાદોને ઝડપી અને ખર્ચ-અસરકારક રીતે ઉકેલવાનો હેતુ સાથે કરવામાં આવી છે. આ ચર્ચામાં વીમા લોકપાલ દ્રારા આપણી ફરિયાદ જમા કરતા પહેલા શું કરવાની જરૂર છે તે અંગેની વિગતો, વીમા લોકપાલ સમક્ષ ફરિયાદો માટેના આધારો; ફરિયાદો માટેની પ્રક્રિયા; વીમા લોકપાલ નિયમ હેઠળ પુરસ્કાર વગેરેને આવરી લેવામાં આવ્યા હતાં.