બિપોપજોય વાવાઝોડાના કારણે ગુજરાત પર સંકટ હજૂ પણ યથાવત છે. દરિયો ગાંડોતુર જોવા મળી રહ્યો છે તેમજ તેજ ગતિથી પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરથી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરીયાકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે.
પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. નલિયાથી 370 કિમી તો જખૌથી 380 કિમી દૂર વાવાઝોડું છે. આ ઉપરાંત પોરબંદરથી વાવાઝોડું 290 કિમી જ દૂર છે. વાવાઝોડાની સ્થિતિ અને ગતિ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, ગીર, સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે પવનની ગતિ પણ પહેલાની સરખામણીએ વધી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. અચાનક જ વરસાદ વરસતા આ વિસ્તારોમાં તંત્રની પ્રિ-મોન્સુનની કામગિરી પણ ધોવાઈ ગઈ હતી.
દ્વારકામાં 15થી 20 ફૂંટ ઉંચા મોજા
દ્વારકાની સ્થિતિની વાત કરીએ તો, પવનની દિશામાં વધારો થયો છે. વહેલી સવારેટ દરીયાના 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગઈકાલે વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તામાં પાણી ભરાયા હતા. સાંજે ભરતી થતા દરિયામાં કરંટ વધશે. આજે મોડી સાંજથી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. 3થી 4 હજાર લોકોને રુપેણ બંદરથી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારથી ખસેડવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી પણ અત્યારે દ્વારકામાં રહીને કામગિરીમાં જોડાયા છે.
રેલ્વે અને બસો રદ કરાઈ
દ્વારકા સહીતના વિવિધ વિસ્તારોમાં રેલ્વે અને બસો રદ કરાઈ છે. આ સાથે શૈક્ષણિક કાર્ય પણ વિદ્યાર્થીઓનું બંધ રાખવામાં આવ્યું છે. દ્વારકાને અત્યારે ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યું છે. વાવાઝોડું અંદાજે 380 કિમી જેટલું દ્વારકાથી દૂર છે. આ સાથે રેસ્ક્યુ ટીમ પણ તહેનાત કરાઈ છે. આ સાથે કોસ્ટગાર્ડ તેમજ પોલીસની ટીમો કાર્યશીલ બની છે.
એનડીઆરએફની વધુ 4 ટીમો કચ્છ, સૌરાષ્ટ્રમાં મોકલાઈ
બિપોરજોય આગળ વધતા દરીકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદર, દ્વારકા, કચ્છમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તંત્રની સતર્કતા પણ સામે આવી રહી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમો રાજકોટમાં મોકલવામાં આવી રહી છે આ સાથે ગાંધીનગરથી બે ટીમો કચ્છમાં મોકલવામાં આવી રહી છે.