નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર, ઓમ રાઉત અને નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરૂષ’ આજથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત સંચીત બલ્હારા અને અંકિત બલ્હારાનું છે. રામાયણ મહાકાવ્ય પર આધારીત આ ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ રામ-રાઘવના રોલમાં છે. ક્રિતી સેનને જાનકીનું પાત્ર ભજવ્યું છે. જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. આ ઉપરાંત સન્ની સિંઘ લક્ષમણ અને દેવદત્ત નાગે હનુમાનજીના રોલમાં છે.
જ્યારે વસ્તલ શેઠે મેઘનાદનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં સોનલ ચોૈહાણ અને તૃપ્તી તોરળમલ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઇ છે. અંદાજે પાંચસો કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ મોટા ભાગના ખર્ચની કમાણી કાઢી લીધી છે. ફિલ્મનું શુટીંગ ૨૦૨૧માં શરૂ થયું હતું. આ ફિલ્મ રિલીઝ થઇ એ પહેલા જ અઢાર હજાર ટિકીટો એડવાન્સ બૂકીંગમાં વેંચાઇ ગઇ હતી. જેમાં પીવીઆર અને આઇનોક્સ સોૈથી વધુ ૮૮૦૦ તથા ૬૧૦૦ ટિકીટ વેંચીને આગળ રહ્યા હતાં. આ ફિલ્મ બ્લોકબસ્ટર થશે તેવી નિર્માતાઓને આશા છે. આ ફિલ્મ આરઆરઆર, બાહુબલી, પઠાણ સહિતને ટક્કર મારી શકશે કે કેમ? તે તરફ સોૈ ફિલ્મી પંડીતો અને ચાહકોની નજર રહેશે.