હિન્દી સિનેમા જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ બુધવારે સવારે મુંબઈના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો છે.
નિતિન એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, આર્ટ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. નિતિન દેસાઈએ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’, ‘દેવદાસ’, ‘જોધા અકબર’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
મહેશ બાલદીનું નિવેદન
પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈની આત્મહત્યા પર કર્જત ઉરણના ધારાસભ્ય મહેશ બાલદીનું નિવેદન સામે આવ્યું છે. મહેશે કહ્યું કે, નિતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લીધી છે. તેઓ ઘણા દિવસોથી પરેશાન હતા. મારા મતવિસ્તારમાં જ તેમનો સ્ટુડિયો છે. તેઓ કર્મચારીઓના પગાર પણ ચુકવ્યો ન હતો, તેઓએ તેમની સમસ્યાઓ મને જણાવી હતી.
નિતિન દેસાઈ તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, નિતિન દેસાઈએ સવારે સાડા ચાર વાગ્યે એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેમના મૃત્યુનું કારણ આર્થિક તંગી હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નિતિન દેસાઈ પોતાના રૂમમાં ગયા. આજે સવારે તેઓ ઘણા સમય સુધી બહાર ન આવ્યા, ત્યારબાદ તેમના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોતાં નિતિન દેસાઈની લાશ પંખા સાથે લટકતી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
નિતિન દેસાઈની છેલ્લી પોસ્ટ
નિતિન દેસાઈએ થોડા દિવસો પહેલા પોસ્ટ કરીને માહિતી આપી હતી કે હંમેશની જેમ આ વર્ષે પણ તેઓ પંડાલની ડિઝાઈનનું કામ શરૂ કરવાના છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નિતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ અફસોસની વાત એ છે કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
4 વખત નેશનલ એવોર્ડ મળ્યો
નિતિન દેસાઈને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બે દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં, નિતિન દેસાઈએ બોલીવુડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.