ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. ધરા ધ્રૂજી જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઊંઘમાંથી ઊઠીને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના કે પછી મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.6ની નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિન્દુ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધુ આવે છે ભૂકંપ
ઉલ્લેખનીય છે કે ગુજરાતના બે જિલ્લામાં છાશવારે ભૂકંપના આંચકા લોકો અનુભવતા હોય છે. રાજ્યના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં લોકો અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા હોય છે. પરંતુ આ વખતે વહેલી સવારે 4.36 વાગ્યે ભૂકંપ આવતા લોકો ભરઊંઘમાંથી એકાએક ઊઠીને ઘરની બહાર દોડ્યા હતા. વહેલી સવારે ભૂકંપ આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, હાલ કોઈ જાનહાનિ કે પછી મોટા આર્થિક નુકસાનની માહિતી મળી નથી.