શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જેમાં એક હાલ અમદાવાદ ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. માત્ર 27 વર્ષની નાની વયે તેમણે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દીદ્યો છે. તેમની શહીદીથી આખા દેશમાં ગમગીની છવાઈ છે.
મહિના પહેલા જ પત્નીનું શ્રીમંત યોજાયું હતું
મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાની શહીદીના સમાચાર સાંભળીને તેમના પરિવારજનોની આંખોમાંથી આસૂ રોકાવવાના નામ નથી લઈ રહ્યા. માહિતી છે કે, દેશની રક્ષા માટે શહીદ થનારા વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાની પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ, સંતાનનું મોઢું જોયા પહેલા જ મહિપાલસિંહ વીરગતિ પામ્યા છે.
ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
માહિતી મુજબ, આજે રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ વીર જવાન મહિપાલસિંહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિરાટનગર ખાતે શહીદ મહિપાલસિંહની અંતિમયાત્રા નીકળશે અને પછી લીલાનગર સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ધરતીપુત્રના અંતિમ દર્શન કરવા અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતા છે. માહિતી અનુસાર, ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રવિવારે સાંજે વિરાટનગર જશે.