ભગવાન રામ અને રામાયણ પ્રત્યે લોકોની ઊંડી શ્રદ્ધા જોડાયેલી છે. તાજેતરમાં, ઓમ રાઉતે આદિપુરુષ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જે ભગવાન રામ અને રામાયણ પર આધારિત હતી. જો કે, આ ફિલ્મે લોકોની શ્રદ્ધા અને ભાવનાઓને ઘણી ઠેસ પહોંચાડી હતી. ફિલ્મને લઈને વિવિધ સ્થળોએ વિરોધ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું હતું કે આ ફિલ્મમાં પાત્રોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ ખોટી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, આ વિવાદો અને આદિપુરુષ પ્રત્યેની નારાજગી વચ્ચે રામાયણને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
વાત એમ છે કે તાજેતરમાં જ સોની ટીવીની યુટ્યુબ ચેનલ પર શ્રીમદ રામાયણનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામના આગમન પર અયોધ્યા શહેરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. તે પછી શ્રી રામની છબી દેખાય છે, ત્યારબાદ પૃષ્ઠભૂમિમાં સંવાદ વાગે છે – સંસ્કૃતિનું ગૌરવ, સંસ્કારોનું શિખર, ભક્તિનો મહાન મંત્ર – શ્રી રામની કથા, શ્રીમદ રામાયણ.
વર્ષ 2024માં ટેલિકાસ્ટ થશે આ શો
જણાવી દઈએ કે કે શ્રીમદ રામાયણ શો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. જે વર્ષ 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે. હાલમાં, આ શોના કલાકારોને લઈને કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી કે આ શોમાં ભગવાન રામ અને માતા સીતાનું પાત્ર કોણ ભજવવાનું છે.
ચાહકોએ વ્યક્ત કરી આશા
ત્યારે હવે લોકો આ પ્રોમો વીડિયો પર જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે આદિપુરુષ કરતાં ઘણી સારી છે. આ સાથે એક યુઝરે લખ્યું – રામાનંદ સાગરની રામાયણને કોઈ પણ માત ન આપી શકે, પરંતુ મારી ઈચ્છા છે કે આ શોમાં પ્રભુ શ્રી રામનું પાત્ર સૌરભ રાજ જૈન ભજવે. અન્ય એક યુઝરે લખ્યું- હું સૌરભ જૈનને રામના રોલમાં જોવા માટે રાહ જોઈ રહ્યો છું.