અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગોઝારો અકસ્માત સર્જીને 10 નિર્દોષ લોકોના જીવ લેનાર માલેતુજાર બાપનો નબીર દીકરો તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ સાબરમતી જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન માટે અરજી કરી છે, જ્યારે તથ્ય પટેલે પણ રેગ્યુલર જામીન અરજી કરી છે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર કોર્ટમાં આજે ચુકાદો સંભળાવવામાં આવશે. બીજી તરફ તથ્ય પટેલની જામીન પર આજે સુનાવણી હાથ ધરાશે.
‘પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર’
અગાઉ 17મી ઓગસ્ટે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે, જેની સારવાર હેઠળ 23 ઓગસ્ટે મુંબઇની એક હોસ્પિટલમાં તેની એપોઇન્ટમેન્ટ છે. જો યોગ્ય સારવાર નહીં મળે તો કેન્સર બીજા સ્ટેજ પર પહોંચી જશે. ઉપરાંત, નિસાર વૈદ્યે કહ્યું હતું કે, અગાઉ બે વખત ગુજરાત હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટે પણ અન્ય કેસમાં સારવાર માટે રાહત આપી છે. બીજી તરફ સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, 4 નવેમ્બર 2019 પછી આરોપીએ કોઈ સારવાર લીધી નથી. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે આજે કોર્ટ ચુકાદો આપી શકે છે.
અગાઉ રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી હતી
તથ્ય પટેલની વાત કરીએ તો વકીલ મારફરતે રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે, જેની આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે. પ્રજ્ઞેશ પટેલ પર અકસ્માત સમયે લોકોને ધમકાવવા, રિવોલ્વર કાઢીને ધમકી આપવા અને તથ્ય પટેલને ઘટના સ્થળેથી લઈ જવા સહિતના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી.