તસવીર જોઈને આ રસ્તાનું નામ હાઈ-ફાઈ ચાર રસ્તા હોય તે જરાય પણ બંધ બેસતું નથી. તંત્રની બેદરકારીના કારણે આ રસ્તો જાણે કિચડ ચાર રસ્તા હોય તેમ લાગી રહ્યું છે. મેગા સિટી અમદાવાદાની આ તસવીર અને આ હાલત છે.
નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર સ્કૂલેથી પરત ફરતા બાળકો કિચડમાં પડી ગયા હતા. આ પહેલા પણ સ્કૂલ રીક્ષા પલટી જતા બાળકો કિચડમાં પડી ગયા હતા. અહીં પાણી અને માટીના કારણે સામાન્ય વરસાદમાં પણ કિચડ થઈ જાય છે અને આ હાલ 1 મહિનો સુધી રહે છે. ત્યારે વારંવાર મોટી મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તો અને પાણી ભરાવાની સમસ્યાના કારણે વાહનો અહીં ફસાઈ જાય છે.
17 ઓગસ્ટે પણ આવી જ ઘટના બની હતી અને ત્યાં બાળકો કાદવમાં રીક્ષા પલટી જતા પડી ગયા હતા અને સામાન્ય ઈજા પણ પહોંચી હતી ત્યારે ફરી આ પ્રકારે બાળકો કાદવમાં ફસાઈ ગયા હતા. અહીં એટલા મોટા ખાડા પડી ગયા છે કે કાદવ અને પાણી ભરાતા લોકો જોઈ શકતા નથી. ધીમેથી વાહન ચલાવતા પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એએમસી દ્વારા રસ્તાનું યોગ્ય રીપેરીંગ ન કરાતા બાળકો કાદવમાં પડ્યા હતા. લોકો પણ આ પ્રકારના રસ્તાથી પરેશાન થઈ ગયા છે. ગટર ચોકઅપ થઈ જતા તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે.