બે દેશો વચ્ચે જ્યારે કોઈ વિવાદ થાય અને સંબંધો બગડે ત્યારે તેની કેટલી વ્યાપક અસર પડતી હોય છે તે તાજેતરના ભારત-કેનેડા વિવાદમાં જોવા મળ્યું છે. બંને દેશોએ એક બીજાના ડિપ્લોમેટની છટણી કરી અને હવે વિઝા પર નિયંત્રણ મુકયા છે. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સ, વેપારીઓ, કંપનીઓ, પ્રવાસીઓ અને પરિવારો પણ પરેશાન છે.
ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી મહેમાનો આવવાના હોય અથવા કોઈ ભારત ફરવા આવવાનું હોય તેમની તકલીફો વધી ગઈ છે. હાલમાં વિઝા કન્સલ્ટન્ટ્સના ફોન આખો દિવસ રણકતા હોય છે અને અત્યારની સ્થિતિમાં હવે શું થશે તેના વિશે લોકો સવાલો કરતા હોય છે.
છેલ્લા કેટલાક સમયથી ભારતથી કેનેડા જતા લોકોની સંખ્યામાં મોટો વધારો આવ્યો હતો જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એર કેનેડાની ડાયરેક્ટ ફ્લાઈટ હંમેશા બૂક થયેલી જોવા મળતી હતી. કેનેડામાં હાલમાં જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણે છે તેમાં ૪૦ ટકા જેટલા ભારતીયો છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેનેડાને ફેવરિટ ગણવામાં આવે છે. હાલમાં લગભગ ત્રણ લાખ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં વસે છે.
જે ભારતીય સ્ટુડન્ટ પહેલેથી કેનેડામાં ભણી રહ્યા છે તેમને પણ લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. ઓન્ટારિયોની એક કોલેજમાં એક મહિનો પૂરો કરનારા એક સ્ટુડન્ટે કહ્યું કે અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ ચિંતિત છે. અમે બધા અત્યારે અફવાઓથી દૂર રહેવાનું વિચારીએ છીએ. કેનેડિયન કોલેજ અથવા ભારતીય દૂતાવાસ તરફથી કોઈ સૂચના નથી આવી.
કેનેડાને ભારતીયો માત્ર એજ્યુકેશન માટે જ નહીં, પરંતુ કાયમી વસવાટ માટે પણ પસંદ કરે છે. એક્સપ્રેસ એન્ટ્રી પોઈન્ટ બેઝ્ડ સિસ્ટમની મદદથી ઘણા ભારતીય પરિવારો કેનેડામાં સેટલ થયા છે. કેનેડામાં શીખો ઉપરાંત ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત અને તમિલનાડુથી સૌથી વધારે સ્ટુડન્ટ કેનેડા જાય છે