ડિઝનીલૅન્ડની મુલાકાત લેવાનું નાના-મોટા સૌનું સપનું હોય છે. જોકે તમામ માટે આ સપનું સાકાર કરવું શક્ય નથી, પરંતુ તમે એક કંપનીમાં કામ કરતા હો અને એ કંપની જો તમારા પરિવાર સહિત તમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરે તો કેવી મજા પડે. અમેરિકાની ફાઇનૅન્સ સર્વિસ કંપનીએ સિટાડેલ દ્વારા ૩૦મી ઍનિવર્સરી નિમિત્તે પોતાના ૧૨૦૦ કર્મચારીઓને ગયા સપ્તાહે ટોક્યોમાં આવેલા ડિઝનીલૅન્ડની ટ્રિપ કરાવી હતી.
આ ટ્રિપ ત્રણ દિવસની હતી. કંપનીનાં સ્થાપક અને સીઈઓ કેનિથ ગ્રિફિને દરેક કર્મચારીને આ અનોખી ગિફ્ટ આપી હતી. જપાનના ડિઝનીલૅન્ડને ૨૦ વર્ષ થઈ ગયાં છે. આ ટ્રિપ ૨૭થી ૨૯ ઑકટોબર દરમ્યાન યોજાઈ હતી; જેમાં અમેરિકા ઉપરાંત ગુરુગ્રામ, ટોક્યો, સિંગાપોર, સિડની, હૉન્ગકૉન્ગ અને શાંઘાઈની ઑફિસના કર્મચારીઓ જોડાયા હતા.
કંપનીનાં બૉસ પણ શનિવારે ડિઝનીલૅન્ડમાં હાજર હતાં. કંપની ખરેખર તો આ ઉજવણી ૨૦૨૦માં કરવાની હતી, પરંતુ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.