વીજળી પડવાથી રાજ્યમાં કુલ ૨૩ લોકો દાઝ્યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા છે. વીજળી પડવાથી ૨૯ મકાનોને નુકસાન પહોંચ્યું છે. કુલ ૨૯ કાચા પાકા મકાન ધરાશાયી થયા છે. સૌથી વધુ સુરતના ૨૫ ગામમાં બનાવ બન્યા છે.
શિયાળામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકંમાં કમોસમી વરસાદથી ઉભા પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, સોયાબીન ઉપરાંત ધાણા, જીરૂ જેવા પાક પણ નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. કપાસનો પાક ઢળી પડતા કપાસનો ઉતારો ૨૫ મણના બદલે ૧૫ મણ થાય તેવી શકયતા વ્યક્ત કરાઇ છે.
કપાસના ભાવ પણ ઓછા મળવાની ભીતિ વચ્ચે મહેનત અને ખર્ચ માથ પડે તેવો તાલ સર્જાયો છે. સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માગ કરી છે. તે ઉપારાંત સરકાર દ્વારા ખેડૂતોના તૈયાર પાક માટે વિશાળ ગોડાઉન બનાવાય તેવી પણ માગ કરાઇ છે.
રાજ્યમાં કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ૪૫ ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળી સહિતના રવીપાકને વ્યાપક નુકસાન થયું છે.
ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પર માવઠાએ પાણી ફેરવી દીધુ છે. ભારે પવનના કારણે એરંડાનો પાક આડો પડી જમીનદોષ થયો છે. હાલ ખેડૂતો સરકાર પર સહાયની આશ રાખીને બેઠા છે. ખેડૂતોએ નુકસાન અંગે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.
