રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. ઠેર-ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ વિવાદ મુદ્દે વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે.
રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો, જ્યારે સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે. રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે, કોઇ સભા યોજાઇ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમન્સય થાય એવું કોઇ કાર્ય રુપાલાએ કર્યું નથી. તપાસ રિપોર્ટના આધારે જ રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દેતાં ભાજપે રાહતના શ્વાસ લીધા છે.
પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ -સર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે.જોકે ચૂંટણીપંચનો નિર્ણય કદાચ ક્ષત્રિય સમાજના લોકોને ન ગમે તેવો છે. રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઇ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા છે. પરશોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટરો શહેરમાં લાગાવાયા છે. ‘બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ’ લખાયેલા પોસ્ટર બસપોર્ટ સહિતના વિસ્તારમાં લગવાયા હતા.