રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બૅન્કિંગમાં ચેક ક્લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્લિયરન્સ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી હતી. જોકે આ સિસ્ટમ શરૂઆતથી મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનો દાવો અનેક લોકોએ કર્યો છે.
ઘણા ગ્રાહકોએ ચેક ક્લિયર થવામાં વિલંબ થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી છે. જે ચેક થોડા જ કલાકોમાં જ ક્લિયર થવાના હતા એ છેલ્લા ૬ દિવસથી ક્લિયર થયા નથી, જેને કારણે હવે બૅન્કના સ્ટાફ માટે ફરીથી જૂની મૅન્યુઅલ સિસ્ટમથી ચેક ક્લિયર કરવાની નોબત આવી છે.
ચેક ક્લિયરિગની મુશ્કેલીના પગલે કરોડોના રૂપિયાના વ્યવહારો અટવાયા છે. જેના પગલે બજારમાં નાણાંભીડ જોવા મળી રહી હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી ચેક ક્લિયિરંગ સિસ્ટમમાં દાવો એવો કરાયો હતોકે, ચેક રજૂ કરનાર ખાતેદારના ખાતામાં ચાર કલાકમાં જ નાણાં જમા આવી જશે. જોકે આ ઘણા કિસ્સામાં પોકળ સાબિત થયા છે.
દેશભરમાં આ મુશ્કેલી સર્જાઈ હોવાના કારણે રિઝર્વ બેંકે સાંજે ૭ વાગ્યા સુધીનો સમય કટઓફ સમય હતો તે વધારીને રાત્રીના ૧૧ વાગ્યા સુધીનો કરી દીધો હતો. કર્મચારીઓ ખાતેદારોને જણાવી રહ્યા છેકે, સિસ્ટમ જ કાર્ય કરતી નથી, કોઈ ડેટા દેખાતા નથી આથી કોઈ જ જવાબ ખાતેદારોને આપી શકાતો નથી.
