શુક્રવારે કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓને દાખલ કરવા પડ્યા.નવા દર્દીઓને દાખલ કરવા માટે બે નવા કોરોના વાર્ડ ખોલવા પડ્યા છે. તહેવારોની સીઝનમાં ભીડ અને પ્રદૂષણને કારણે કેસો વધવાની સંભવના છે.
સિવિલ હોસ્પિટલના એડિ. સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે, “છેલ્લાં 4 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થાય છે. 225ની આજુબાજુના એડમિશનને બદલે 60 ટકા વધારો થતાં અત્યારે સિવિલમાં 517 દર્દીઓ દાખલ છે. ગઇ કાલે શુક્રવારની કાળી ચૌદશની રાત્રી અમારા હેલ્થ કેર વર્કર્સ અને ડૉક્ટરો માટે ભયાનક હતી.”
ઇમરજન્સીમાં આવતા કોરોના દર્દી માટે ઊભા કરાયેલા ટ્રાયજ વોર્ડમાં 98 દર્દીઓ દાખલ થયા છે.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે મે અને જૂનમાં પણ આવી પરિસ્થિતિ ન હોતી. 98નો આંકડો રેકોર્ડબ્રેકિંગ છે. સ્ટેબલ દર્દી જ્યારે સિવિલમાં આવે ત્યારે એ દર્દી OPDમાં જાય છે. જ્યારે સીરિયસ દર્દીઓને ટ્રાયજમાં લઇ જવામાં આવે છે. જેના માટે ડૉક્ટરની ટીમ 24×7 કલાક તૈયાર હોય છે.
કાલે આખા દિવસમાં 158 કોરોના કેસના એડમિશન
ટ્રાયજ વોર્ડમાં તત્કાલિક સારવાર આપવામાં આવે છે. ત્યારે ગઇ કાલે શુક્રવારની રાત્રીએ 98 દર્દીઓ દાખલ થયા છે. જે ખૂબ ચિંતાજનક આંકડો છે. આખા દિવસમાં 158 કોરોના દર્દીઓના એડમિશન છે. દિવાળીના પવિત્ર દિવસે દર્દીના એડમિશનની સંખ્યાનો આંકડો 500ને ક્રોસ કરી ચૂક્યો છે.