અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં 132 ફૂટ રોડ પરના અખબારનગર અંડર પાસની દિવાલ સાથે ટકરાયેલી બસ કપાઈ જતા બે ફાડીયા થઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બસના ચાલકને બહાર કાઢ્યો હતો.બસમાં કોઈ વધારે પેસેન્જરો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
અખબારનગર અંડર પાસ પાસે આજે બપોરે અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. બસ દીવાલ સાથે ટકરાતા જ તેના બે ફાડીયા થઈ ગયા હતા. બસના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી. ટ્રાફિક બી ડીવીઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
અકસ્માતને પગલે ટ્રાંફિક જામ થવા લાગ્યો હતો. સ્થાનિક યુવકો ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે તેના પ્રયાસમાં હતા. અકસ્માત જોવા લોકોના ટોળાં સ્થળ પર એકત્ર થયા હતા.ગણતરીની મિનિટોમાં આ અકસ્માતની ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બીઆરટીએસ બસના ચાલકે પેસેન્જર ઓછા હોવાથી બસ પુરઝડપે હંકારી હતી. દરમિયાન બે ધ્યાન થતા અંડર પાસની દિવાલ સાથે બસ ટકરાઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવર અને સુપરવાઇઝરને સારવાર માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.