આ સપ્તાહમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ગુજરાતમાં 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવનાI છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી ગુજરાતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 18 તારીખે પવનની ગતિ 60 થી 70 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય થયું છે. જે આવતીકાલે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારા નજીક વાવઝોડું પહોંચશે. જેથી 18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 18 મેના સાંજે વાવાઝોડું ટકરાઈ શકે છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીના પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકિદ કરી છે.
એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ
વાવાઝોડાની આગાહીને ગુજરાતનું તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર દ્વારા વાવાઝોડા સામે લડવાના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેથી વાવાઝોડાની દરેક પળના અપડેટ મળી શકે. દરિયાકાંઠે લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ માટે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરાશે. સાથે જ સ્થાનિક લોકોને સમયાંતરે વાવાઝોડા વિશે સૂચના આપવામાં આવશે.