“અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરતા સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. તાલિબાને દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના ૮૫ ટકા વિસ્તારો તેના કબજામાં છે.
બીજી તરફ અફઘાનિસ્તાનના સૈનિકો ભાગીને ઈરાન જવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધનું જોખમ મંડરાઈ રહ્યું છે.મોસ્કો સ્થિત તાલિબાની પ્રતિનિધિ મંડળે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના ૩૯૮માંથી ૨૫૦ જિલ્લા તેના કબજામાં આવી ગયા છે અને અફઘાનિસ્તાનનો કુલ ૮૫ ટકા જેટલો વિસ્તાર તેના અંકુશમાં છે.
તાલિબાનના પ્રવક્તાએ મોસ્કોથી કહ્યું હતું કે ઈસ્લામ કિલા બોર્ડર હવે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણમાં છે.જોકે, આ અંગે અફઘાનિસ્તાન સરકારે કોઈ સ્પષ્ટ સ્વીકાર કર્યો ન હતો, પરંતુ સૈન્ય અધિકારીઓએ કહ્યંલ હતું કે તાલિબાન સામે સૈન્ય લડત આપી રહ્યું છે.
અફઘાનિસ્તાનની સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે બોર્ડર યુનિટ બધા જ પોઈન્ટ પર તૈનાત છે. તાલિબાને જે પ્રદેશો મેળવ્યા છે તેને કબજે કરવા અફઘાનિસ્તાન સૈન્ય પૂરતા પ્રયાસો કરે છે.
તાલિબાન અને અફઘાન સૈન્યના દાવા વચ્ચે ઈરાને દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી ભાગીને સૈનિકો ઈરાનમાં આવી રહ્યા છે. ઈરાનના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે સરહદી વિસ્તારોનો કબજો તાલિબાને લઈ લીધો હોવાથી અફઘાનિસ્તાનના સૈનિકો ઈરાનમાં બચીને આવી રહ્યા છે. જીવ બચાવીને અફઘાન સૈનિકો ઈરાન પહોંચી રહ્યા હોવાના અહેવાલોથી તાલિબાન સામેની અફઘાન સૈન્યની લડાઈ નબળી પડે તેવી પૂરી શક્યતા છે. ઈરાન તાલિબાન અને અફઘાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા કરાવવાની કોશિશ કરતું હોવાનો દાવો પણ મીડિયા રીપોર્ટ્સમાં થયો હતો.
તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની ત્રીજી સરહદનો કબજો લઈ લીધો હતો. અગાઉ તાલિબાને તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનને લગતી સરહદી પોસ્ટનો કબજો લીધો ત્યારે અફઘાન સૈનિકો તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન નાસી ગયા હતા. તાલિબાને ઈરાનને લગતી સરહદે પણ કબજો કરી લીધો હોવાના દાવા પછી સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.