“મેઘાણીનગર વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મેઘાણીનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલયો.
પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. અલ્પુ પટણી અને સાહીલ પટણી આ બંને શખ્શોએ પોતાના અન્ય બે મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી.
આરોપી અલ્પુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં 3 હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી. આરોપી અલ્પુ પટણી ઠક્કરનગરમાં રહેતો હોવાનું તેમજ અન્ય આરોપી સાહિલ પટણી ચાંદખેડામાં રહેતા હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે હાલ તો આ કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને પણ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ ગુનામાં પ્રેમસંબંધની આશંકામાં થયેલી હત્યામાં છે. પરંતુ ખરેખર આરોપીની મંગેતરને મૃતક હિતેશ સાથે પ્રેમસંબંધ હતો કે કેમ અને હત્યા કરવા પાછળ તે જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ તે દિશામાં મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.”