અમદાવાદના સીટીએમ એક્પ્રેસ હાઇવે તરફ જવાના માર્ગ પર એક મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાના ભાઈએ વોટ્સઅપ પર મૃતક મહિલાનો ફોટો જોઇ તપાસ કરતા તેની મોટી બહેનનો જ મૃતદેહ હોવાનું સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, જશોદાનગર વિસ્તારમાં આવેલી મ્યુન્સીપુરા નવી વસાહતમાં રહેતા અખાભાઇ ભાટીની મોટી બહેન તુલસી બે દીકરીઓની માતા હતી. તુલસી છેલ્લા પાંચ વર્ષથી બંને દીકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. તુલસી છેલ્લા 4 વર્ષથી માનસિક રીતે પણ બીમારી હતી. આથી તે ઘરની બહાર ફરતી રહેતી હતી અને મરજી મુજબ ઘરે આવતી હતી, જેથી તેની કોઇ શોઘખોળ પરિવાર દ્વારા કરવામાં આવતી નહોતી. દરમિયાન શનિવારે અખાભાઇને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં તુલસીનો મૃતદેહ દેખાયો હતો.
પીએમમાં ગળુ દબાવ્યું હોવાનો ઘટસ્ફોટ
આથી આ અંગે તપાસ કરતા સીટીએમ એકપ્રેસ હાઇવે તરફ જવાના માર્ગ પાસે તુલસી મૃતક મળી આવી હતી. આ મામલે અખાભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોરર્ટમ માટે મોકલ્યો હતો અને પીએમના રિપોર્ટમાં તુલસીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા અજાણ્યા ઇસમ સામે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.