October 7, 2026
Other

ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસે રાજ્‍ય સરકાર સામે આકરું વલણ અપનાવ્‍યું

ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસે રાજ્‍ય સરકાર સામે આકરું વલણ અપનાવ્‍યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સમગ્ર ઘટનાની હાઈકોર્ટના કાર્યરત ન્‍યાયાધીશના નેતૃત્‍વમાં વિશેષ તપાસ ટીમ રચીને નિષ્‍પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવાની માગ કરી છે. સાથે કાયદો-વ્‍યવસ્‍થા અને દારૂબંધીના અમલમાં નિષ્‍ફળતા બદલ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માગણી કરી છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે ભાવનગર જઈ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લઈ હકીકતો મેળવશે અને આ મુદ્દો આગામી વિધાનસભા સત્રમાં પણ ઉઠાવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને રાજ્‍ય સરકાર અને દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઉઠાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાએ શાંતિ જાળવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે, પરંતુ હાલ દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. રાજ્‍યમાં દારૂ અને નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી રોકવામાં સરકાર નિષ્‍ફળ રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસની અખબારી યાદી મુજબ ભાવનગર જિલ્‍લાના કરકડી ગામે બનેલા તાજેતરના લઠ્ઠાકાંડ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ઝેરી રસાયણયુક્‍ત લઠ્ઠાના કારણે લોકોનાં મોત થયાની વિગતોનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. ફરિયાદને ટાંકીને કોંગ્રેસે જણાવ્‍યું છે કે નકલી દારૂ બનાવવા માટે મિથેનોલ અમદાવાદના સરખેજથી પરિવહન મારફતે ભાવનગર સુધી લાવવામાં આવ્‍યું હતું અને આરોપીઓ અગાઉ પણ બે વખત આ રીતે નકલી દારૂ બનાવી વેચી ચૂક્‍યાની વિગતો નોંધાઈ છે.

શ્રી અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્‍યો હતો કે દારૂ ક્‍યાંથી આવ્‍યો, ક્‍યાં તેનો સંગ્રહ થયો અને ક્‍યાં પહોંચાડવામાં આવ્‍યો તેની માહિતી લોકોનાં મોત બાદ જ પોલીસ સમક્ષ કેમ આવી? કોઈ વિસ્‍તારમાં ગેરકાયદે દારૂ વેચાતો હોય અને લઠ્ઠાકાંડ સર્જાય ત્‍યારે માત્ર સ્‍થાનિક પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં તેમ તેમણે જણાવ્‍યું હતું.

કોંગ્રેસે સમગ્ર લઠ્ઠાકાંડની હાઈકોર્ટના કાર્યરત ન્‍યાયાધીશના નેતૃત્‍વમાં વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે. તપાસમાં દારૂ બનાવનારાઓ, સપ્‍લાય કરનારાઓ, મિથેનોલ પહોંચાડનારાઓ, સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક ઉપરાંત તેની સામે કાર્યવાહી કરવામાં નિષ્‍ફળ રહેલા તંત્રની ભૂમિકા પણ આવરી લેવાની માગ કરવામાં આવી છે.

દરમિયાન, ઘટનાની સ્‍થળ તપાસ માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે શુક્રવારે ભાવનગરની મુલાકાત લેશે. તેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્‍ય  જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્‍ય રાજેશ ગોહિલ, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ મહામંત્રી હરિભાઈ ભરવાડ અને  વિરેન્‍દ્રસિંહ વાઘેલા (અજિતસિહ), ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ  મનોહરસિંહ ગોહિલ તથા ભાવનગર જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળ સમગ્ર ઘટનાની હકીકત અને તંત્રની ભૂમિકા અંગે માહિતી મેળવી વિગતવાર અહેવાલ તૈયાર કરશે. કોંગ્રેસે આ મુદ્દો આગામી વિધાનસભા સત્રમાં ઉઠાવવાની પણ જાહેરાત કરી છે.

Related posts

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

POCSO Act: બાળકોની સુરક્ષા માટે કાયદાની જોગવાઈઓ શું છે? જાણો વકીલ સાબિલ ઓઠવેલની સમજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો