રાજકોટ કોર્પોરેશનના તંત્રે સવારથી જ બૂલડોઝરો ફેરવી દઇ દબાણનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે, તે નજરે પડે છે. તસ્વીરમાં જેમના દબાણ હટાવાયા તે બેઅસરગ્રસ્ત પરિવારના હાલ બેહાલ થયા છે, હવે શું થશે તેની ચિંતામાં નજરે પડે છે, અન્ય તસ્વીરમાં સઘન પોલીસ બંદોબસ્ત, વીજ ટીમો દ્વારા ધડાધડ કપાઇ રહેલા ગેરકાયદે કનેકશનો અને છેલ્લી તસ્વીરમાં તમામ પાકા મકાનોનો કડુસલો બોલાવી દેવાયો તે જણાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું છે.
નદીના પુરના વહેણમાં આવતી આજી નદી પટની પપ હજાર ચો.મી. અને ૧૫ મીટરના ટીપી રોડની ૩૨૦૦૦ ચો.મી. જગ્યા પરના આ બાંધકામો હટાવવાની તૈયારી વચ્ચે ગઇકાલે સાંજ સુધીમાં ૧૦ર૬ આસામીઓ સ્વૈચ્છિક દબાણો હટાવી લીધાનું અથવા જગ્યા ખાલી કર્યાનું મનપાએ જણાવ્યું હતું.
આજે સવારે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે ૭.૩૦ આસપાસ કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી. ૧ વાગ્યા સુધીમાં ૯૦૦થી વધુ બાંધકામો બુલડોઝરથી હટાવી દેવામાં આવ્યા છે. આજે મોડી સાંજ સુધીમાં મોટા ભાગની કામગીરી પુરી થઇ જાય તેવી શકયતા છે. આ અંગે સરકારને સતત રીપોટ કરાઇ રહ્યું છે.
મનપાના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડિમોલીશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ થતા આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
શહેરના સુવ્યવસ્થિત વિકાસ, નદી કાંઠા વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો હેતુ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરીનો ધમધમાટ ચાલી રહયો છે.
સંબંધિત રહેવાસીઓને અગાઉથી નોટિસ આપી, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લાઈટ, પાણી પુરવઠા તથા પોલીસ વિભાગ સાથે સંકલન, જરૂરી મશીનરી, માનવબળ અને વાહનોની વ્યવસ્થા, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદેસર રીતે અમલમાં મુકાઈ છે.
આ ઓપરેશનમાં ૬૪થી વધુ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી, ૫૦ બ્રેકર, ૪૨ ગેસ કટર અને ૧૪ ડમ્પર સહિત ૨૬૦થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
સુરક્ષાના ભાગરૂપે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૨૬ મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર ૨૫ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. કે તેઓ સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરે. કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરવા ઇચ્છે, તો મનપા દ્વારા શકય હોય ત્યાં જરૂરી સાધન-સામગ્રી અને તકનીકી સહયોગ આપવામાં આવ્યો હતો. નાનું મશીનરી સાધન ઉપલબ્ધ કરાવવામાં સહાય, મલબા ઉઠાવવાની વ્યવસ્થા, માર્ગદર્શન માટે અધિકારીઓની હાજરી, સુરક્ષિત રીતે રચનાઓ દૂર કરવા તકનીકી માર્ગદર્શન, આ સહયોગનો હેતુ નાગરિકોને સરળતા રહે અને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હતો.
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. દરેક તબક્કે કામગીરી સુવ્યવસ્થિત અને કાયદેસર રીતે પૂર્ણ થાય તે સુનિヘતિ કરવામાં આવશે.
મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે ૭ વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ૧૧૩૦થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ સીધી દેખરેખ રાખી રહ્યા છે.
આ કામગીરીથી નદીના કુદરતી વહેણમાં અવરોધ દૂર થશે, વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ટી.પી. રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે, નદી કાંઠા વિસ્તારને સુવ્યવસ્થિત રૂપ આપવામાં સહાય મળશે.
આજે વહેલી સવારથી શરૂ થયેલ કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. ગઇકાલ સુધીમાં અનેક લોકોએ પોતાની રીતે ગેરકાયદે દબાણો હટાવી દીધા હતા.જયારે બાકીના બાંધકામો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે.(૨.૧૬)
કઈ કઈ જગ્યાએ ડિમોલિશન?
એકતા કોલોની શેરી નં.૪થી જંગલેશ્વર શેરી નં.૨ સુધી, જંગલેશ્વર શેરી નં.૨ખી જંગલેશ્વર શેરી નં.૨૨ સુધી, જંગલેશ્વર શેરી નં.૨૨થી જંગલેશ્વર શેરી નં.૨૯-૩૦ સુધી, સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નં.૧૫ સુધીનો ૧૫૦૦ મીટર પહોળાઈનો રસ્તો, જંગલેશ્વર શેરી નં.૧૫થી બુદ્ધનગર શેરી નં.૧, બુદ્ધનગર શેરી નં.૧, જયભીમરાવ ચોકથી રાધા કળષ્ણનગર શેરી નં.૧૮ સુધી તથા રાધા કળષ્ણનગર શેરી નં.૧૮થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી.(૨.૫)
પપ હજાર ચો.મી જગ્યા ખુલ્લીઃ ૧૪૮૯ કાચા પાકા મકાનોનો કડુસલો
આજી રીવરફ્રન્ટ માટે માર્ગ મોકળો :કલેકટર અને મનપાની જગ્યા ઉપર દબાણ હતુઃ કલેકટર તંત્રના ડિમોલેશન સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે
રાજકોટઃ શહેરના સુવ્યવસ્થિત વિકાસ, નદી કાંઠા વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો હેતુ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી આજથી શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. કામગીરીનો વ્યાપ – વિસ્તાર અને આંકડાકીય વિગતો જોઇએ તો આજી નદી પટ્ટા વિસ્તારમાં આશરે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે. જેથી કુલ ૯૯૨ મકાનો દૂર કરવાની કામગીરી કરાશે. જયારે ટી.પી. રોડ વિસ્તારમાં આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે. જેના ઉપરના કુલ ૪૯૭ મકાનો/રચનાઓ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આમ કુલ મળીને આશરે ૮૭,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આવેલી ૧૪૮૯ જેટલી રચનાઓ તબક્કાવાર દૂર કરવામાં આવશે.
