આજે મંગળવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વના સૌથી મોટા અમદાવાદ સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલ – ‘વિજ્ઞાન મહોત્સવ’ને ખુલ્લો મુકશે. આજે ૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ ૨૦૨૩ એમ પાંચ દિવસ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ, શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ, રાજ્ય અને દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો સાથે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને અનેક રસપ્રદ કાર્યક્રમો યોજવામાં આવશે.
:સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩ના મુખ્ય આકર્ષણો
વૈજ્ઞાનિક પ્રદર્શનો, સાઉન્ડ એન્ડ લાઇટ શો, 3D રંગોલી શો, પ્લેનેટોરિયમ શો, સાયન્સ મેજિક શો, પોપ્યુલર સાયન્સ ટોક , હેન્ડ્સ-ઑન પ્રવૃત્તિઓ, વિજ્ઞાન વર્કશોપ, આકાશ દર્શન અને વૈજ્ઞાનિક થીમ પર આધારિત પેવેલિયન માટે માર્ગદર્શક સાથેનો પ્રવાસ
રોજ 20 હજાર બાળકો સાયન્સ કાર્નિવલની અંદર ભાગ લેશે
આ કાર્નિવલમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ભાગ લેશે અને જ્ઞાનની સાથે મનોરંજનનો આનંદ માણશે. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સાયન્સ સિટીમાં આ આયોજનો થઈ રહ્યા છે. તેમાં પણ દરરોજ 20 હજાર બાળકો સાયન્સ કાર્નિવલની અંદર ભાગ લેશે જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સાયન્સ અવેરનેસને લગતા પણ થશે. આ સિવાય સાયન્સ સિટીના અન્ય પ્રકલ્પો પણ વિદ્યાર્થીઓને માણવા માટે મળશે.