રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાન સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી માસ દરમિયાન “ જી-20 સમિટ, યુનિવર્સિટી કનેક્ટ : એન્ગેજીંગ યંગ માઈન્ડના” ઉપક્રમે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું પણ જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સંલગ્ન કૉલેજના તમામ વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે જણાવ્યું હતું, તેમજ સફળ આયોજન માટે જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભેચ્છા પાઠવી હતી.
જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.
જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સહિત પ્રતિ સંસ્થા દિઠ 2 વિદ્યાથીઓ આ તાલિમ શિબિરમાં ભાગ લઈ શકશે. આગામી 10 માર્ચ સુધી sports@gtu.edu.in પર ઈ-મેઈલ દ્વારા વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહશે. ગુજરાતના નામાંકિત તજજ્ઞો દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં લોકનૃત્ય અને નાટ્યની 7 દિવસ અને વ્યક્તિત્વ વિકાસ માટે 4 દિવસની તાલીમ શિબિર યોજાશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તાલીમ અને પરિવહન સહિત અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા જીટીયુ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે.