ઓઢવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવમાં એન્જિનિયર પતિએ તેની પત્ની વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવવાની અને ગાલ પર ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એન્જિનિયર તરીકે કામ કરતાં એક શખ્સે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેની પત્ની સારી રીતે રહી હતી. પરંતુ, બાદમાં તે ખૂબ જ ગુસ્સો કરતી હતી અને નાની-અમથી વાતમાં પતિ અને તેના પરિવાર સાથે બોલાચાલી કરીને ઝઘડા કરતી હતી. ફરિયાદમાં જણાવાયું કે, પત્નીના પિતાએ પણ કહ્યું હતું કે, તારે સાસરીમાં કોઇથી ડરવાનું નહીં અને કોઇ કંઇ કહે તો તારે તેની સામે પડીને જે કરવું હોય તેમ કરવાનું. આથી પત્ની સાસરીમાં પતિ અને તેના સાસરિયાં સાથે સરખી રીતે બોલતી ન હતી.
ઝઘડો કરી પતિને બીજા રૂમમાં સૂવડાવ્યો, સવારે ગાલ પર ચપ્પુ માર્યું
દરમિયાન કોઈ બાબતે ઝઘડો થતા પતિને રૂમમાંથી બહાર કાઢી અન્ય રૂમમાં સૂવાનું કહ્યું હતું. આથી પતિ અન્ય રૂમમાં સૂવા ગયો હતો. સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ પત્ની પતિ પાસે આવી હતી અને પતિના ડાબા ગાલ પર ચપ્પુ મારી દીધું હતું. આ સાથે ધમકી પણ આપી હતી કે, આજે ગાલ પર માર્યું છે હવે જો મને કંઇ કહેશો તો ગળા પર મારી જાનથી મારી નાંખીશ. ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેના ગાલ પર આશરે ચોવીસ ટાંકા આવ્યા હતાં. જો કે, ત્યાર બાદ પણ પત્ની પતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા આખરે કંટાળીને પતિએ પત્ની વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.