મહાઠગ કિરણ પટેલ કેસમાં એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ફરિયાદ ભેજાબાજ કિરણ પટેલ સામે થઈ હોવાનું જાણવા મળ્યું છે. કિરણ પટેલે નારોલમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા વેપારી સાથે જમીન વેચવાના નામે રૂ.80 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાતા તેની સામે આ ત્રીજો ગુનો નોંધાયો છે.
મીડિયા અહેવાલ મુજબ, કન્સ્ટ્રક્શન વેપારી સાથે બાનાખત કર્યા બાદ દસ્તાવેજ કરી આપ્યા ન હોવાની ઉપેન્દ્રસિંહ ચાવડા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નારોલ પાસેની જમીન વેચવાના નામે મહાઠગ કિરણ પટેલે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વેપારી પાસેથી પૈસા લીધા હતા. આ સોદામાં બાનાખત કરીને દસ્તાવેજ નહોતા કર્યા. જ્યારે વેપારી પાસેથી રૂ. 80 લાખ મેળવી લીધા હતા. પરંતુ, દસ્તાવેજ ન કરી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.
અગાઉ 18મી સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા
આથી વેપારીએ કિરણ પટેલ સામે ફરિયાદ કરતા હવે ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે કુલ ત્રણ ગુના નોંધાયા છે. જણાવી દઈએ કે, અગાઉ કિરણ પટેલ સામે ઠગાઈ કેસમાં કોર્ટે 18મી સુધીના રિમાન્ડ મૂંજર કર્યા છે. ત્યારે આજે બપોરે ફરી કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે રૂ. 80 લાખ રૂપિયાની ઠગાઈ મામલે તેની અટકાયત કરી શકાય છે.