વર્ષ 2002માં સર્જાયેલા ગોધરાકાંડ બાદ અમદાવાદમાં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ સ્પેશ્યિલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેમા માયા કોડનાની અને બાબુ બજરંગીને પણ નિર્દોષ જાહેર કર્યા છે.
28 ફેબ્રુઆરીએ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ખાસ SIT કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
આ કેસમાં પોલીસ દ્વારા કુલ 86 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, VHPના નેતા જયદીપ પટેલ પણ સામેલ હતા. કુલ 86 પૈકી 17 આરોપીઓના મોત થઇ ચૂક્યા હતા. કોર્ટે ગત સપ્તાહે જ સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે કોર્ટે આજની સુનાવણી દરમ્યાન તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. બનાવના 21 વર્ષ બાદ કોર્ટ ચુકાદો આપ્યો છે, ત્યારે પિડીત પક્ષ દોષીઓને કડક સજા થાય અને તેમને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યો છે.
આ કેસમાં 26 ઓગસ્ટ, 2008ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ને તપાસ સોંપાઈ હતી. આ કેસમાં કુલ 58 સાક્ષીઓએ બચાવ પક્ષે જુબાની આપી હતી. જ્યારે કે 187 સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી. કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના લગભગ 14 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 6 જજોએ સતત મામલાની સુનાવણી કરી.