જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈની છરીના 24 ઘા મારી હત્યા કરવાના કેસમાં પિતા, બે પુત્ર, જમાઇ સહિત 5 આરોપીઓને એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓએ વતનમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી, જેની સામે મૃતકે વાંધા અરજી કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ કચ્છના પરષોતમ ધવલ સિંગરવા વડવાળી ચાલીમાં રહે છે. વતન માખેલ ગામે જય રણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા તેમણે સરકારમાં અરજી કરી હતી. જો કે, આ અરજી સામે તેમના કૌટુંબિક ભાઈ પ્રવીણે વાંધા અરજી કરતા સરકારમાંથી જમીન મળી નહોતી. આ વાતની અદાવત રાખીને પરષોતમે પ્રવીણભાઈ અને તેમના સાળા હસમુખને પતાવી દેવા માટે કારસો રચ્યો હતો.
5 આરોપીઓને આજીવન કેદની સજા
અહેવાલ પ્રમાણે, પરષોતમ અને તેના પુત્ર પ્રવીણ ઉર્ફે ભોલો, પત્ની આશાબેન, પ્રતાપ, પુત્રી રશ્મિબેન, જમાઇ સુનિલ અને મહેન્દ્રસિંહે ભેગા મળી કાવતરું રચી પ્રવીણભાઈને કુબેરનગર શાક બજાર પાસે બોલાવ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરી છરીના 24 ઘા મારી પ્રવીણભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દરમિયાન પ્રવીણભાઈના સાળા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા સાળા હસમુખને ગંભીર ઇજાઓ થઇ હતી. આ મામલે સરદારનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 5 આરોપીઓને એડિ. સેશન્સ જજ એમ.આર.શાહે આજીવન કેદની સજા ફટકારી છે.