લોક ફરિયાદના ત્વરિત નિવારણ માટે તાત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિચાર બિજ સ્વાગતઆજે વટવૃક્ષ સ્વરૂપે વિસ્તરી ચૂક્યું છે. ત્યારે સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્વાગત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે.
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આજે વેજલપુર સિટી મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં અધિક નિવાસી કલેકટર સુધીર પટેલે અરજદારો સાથે વાર્તાલાપ કરીને તેમની ફરિયાદો પ્રત્યે વહીવટીતંત્ર સકારાત્મક હોવાનો અહેસાસ કરાવ્યો. આ ઉપરાંત મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
આશરે ૨૩ જેટલા અરજદારોએ ગંદકી, સ્ટ્રીટલાઈટ, પાણી, રસ્તાઓ તથા સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક રજૂઆતો કરી હતી. જેના ત્વરિત નિકાલ બાબતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા- વિચારણા કરીને સૂચનાઓ આપવા આવી.
હાજર અરજદારો પૈકી વેજલપુર વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વિધવા મહિલા હજાર બીબી પઠાણે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સહાય માટે ૧૭ એપ્રિલે કરેલી અરજીનો ગણતરીના દિવસોમાં નિકાલ કરી, તેમને માસિક ૧૨૫૦/- રૂપિયાની સહાય આપવા માટે મંજૂરી હુકમ સુપરત કરવામાં આવ્યો. અન્ય એક ૭૦ વર્ષીય વિધવા મહિલા પાર્વતીબેન ઝાંગડને પણ ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત માસિક ૧૨૫૦/- રૂપિયાની સહાય આપવા માટે મંજૂરી હુકમ સુપરત કરવામાં
આવ્યો. બંને મહિલાઓએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને બિરદાવી હતી અને સ્વાગત પહેલની પ્રશંસા કરી હતી. આજના તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મદદનીશ કલેકટર, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા અમદાવાદ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.